July 29th 2007
શું લખું? 29/7/2007
શું લખું? શું લખું? મનમાં એવું થયા કરે,
આજે લખુ કાલે લખીશ એવું મન કાયમ કહ્યા કરે.
લખુ લખાશે કે લખાયું એવું કાંઈક બની ગયું,
મનનું મનમાં ના રહેતા કાંઈક આજે કહી જવાયું.
ઉર્મીબેનનો અણસાર ને વિજયભાઈ નો પ્રેમ,
લાવ્યા સર્જકોની સંગાથે હૈયે રાખી કાયમ હેત.
મનમાં લાગી માયા ને કલમ બનાવે કાયા,
પ્રદીપ,પ્રદીપ કરતાં આજે હું પરદીપ બની રહું.
હેત માગું હામ ધરી હું પ્રેમ કાયમ મળ્યા કરે,
વર્ષા હેતની વરસ્યા કરેને પ્રેમ સૌનો મળ્યા કરે.
—————————-
May 18th 2007
એક અનોખુ …………સપનું આવ્યું
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સપનું આવ્યું, સપનું આવ્યું, સોમવારની રાત્રે મુજને;
એક અનોખું સપનું આવ્યું.
મુજને ગમતું, લોભતું મનને, આનંદની એક લહેર સમું;
એક અનોખું સપનું આવ્યું.
કામણ મારી કાયા લાગે,મસ્ત બની મનમોર સમ નાચે;
એવુ એક અનોખું સપનું આવ્યું.
મૃદંગ વાગે ઢોલ વાગે, તનમન સૌના ડોલતા લાગે;
એવુ એક અનોખું સપનું આવ્યું.
કિલ્લોલ કરંતી,નૃત્ય કરંતી,માનવમેદની ચારે કોર ઘુમે;
એવુ એક અનોખું સપનું આવ્યું.
હળદર રંગી કાયામારી,સુરવાર કુરતો શોભે દેહે,માથે મુગટ મારે;
એવુ એક અનોખું સપનું આવ્યું.
સવાર હતો હું અશ્વ તણો ને દેતો પગના ઠેકા ધીમે ધીમે
એવુ એક અનોખું સપનું આવ્યું.
બંધ પડર જ્યાં ખુલી ગયા ત્યાં રાત્રીનો અંધકાર દીસે.
પડ્યો પથારી પરથી જ્યારે માન્યું એ ઘોડા એ ઠેકી છે દીધી;
લાગ્યું મુજને ત્યારે આ તો રાત્રીનું એક સ્વપ્ન હતું,
સુઈ ગયો મન મારી ત્યારે આંખોમાં ઊંધનો અણસાર હતો.
ચાર પ્રહરની રાત્રી વીતે ધીમેધીમે,વાત વિચારો મનમાં રહેતા પરોઢીયે ભઈ
એક અનોખું સપનું આવ્યું.
દીઠો માનવ ભીખ માગતો, છતે પૈસે બે હાથ ધરે
એવુ એક અનોખું સપનું આવ્યું.
આવે એક પછી એક, વારે વારે ભિક્ષા લેવા કાજે
એવુ એક અનોખું સપનું આવ્યું.
રાજા જેવો લાગતો માણસ ,રંક બનીને હાથ ધરે
એવુ એક અનોખું સપનું આવ્યું.
હતા સૌ એકમેકની પાછળ સૌની પાછળ હુંય હતો
એવુ એક અનોખું સપનું આવ્યું.
વાદળ ગાજ્યા કાળા ભમ્મર ચારે કોર દીસે આવ્યો અચાનક મેધ,
એવુ એક અનોખું સપનું આવ્યું.
મોંઢું મારું ભીજાયું પાણીએ જાગવા મુજ પર છાલક એક મારી
લાગ્યું ત્યારે આતો છે ભઈ પરોઠીયાનું સપનું સાચું.
————–
May 6th 2007
ગુજ્જુ છુ હું નિરાળો
પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવો હું ગુજરાતી ભઈ ને રમા મારી છે ગુજરાતણ.
હ્યુસ્ટન આવ્યા કેમ અમે ભઈ તેની ના કોઈ રામાયણ.
….તેવો ગરવો હું ગુજરાતી.
સુરજ ઉગતા ઝળહળે જેમ જીવન તેમ રવિ અમારો દીપી ઉઠે;
માનવ મનડાં તૃપ્ત જીવનને સદા નિરંતર તરસી રહે ,
વણ માગેલી આફત જ્યાં આવે ત્યાં ગુજરાતી ભઈ ટકી રહે;
આકુળ વ્યાકુળ કુંજ ગલીમાં સાચું જીવન તે શોધી રહે.
….તેવો ગરવો હું ગુજરાતી.
જીભે પ્રેમ ને હૈયે હેત માનો મળ્યો ગુજરાતી એક;
રોજ સવારે ભજન કિર્તન ને સાંજે સાયં દિપ કરે.
પ્રેમ મળે જેને ધરમાં ને જગમાં સૌમાં સ્નેહ જુએ;
હાથમાં હાથ રાખીને દેતો ટેકો કાયમ હૈયે છે આનંદ દીસે.
….તેવો ગરવો હું ગુજરાતી.
વ્હાલું અમારું સંવત વર્ષ દીવાળીએ સૌ આનંદ કરે;
એકમેકના દુઃખડાં ભૂલીને મનડાં સૌના મળી રહે,
વ્હાલી અમારી દીકરી દીપલ આવી અવની પર તે દીને;
દેશ ઉજવે દીન ખુશહાલે લાગે જન્મદીન દીકરીનો ઉજવાય.
….તેવો ગરવો હું ગુજરાતી.
નથી કોઇ માયા દેહને આજે આત્મા તણો આનંદ મળે;
પ્રદીપ બની જીવન છે જીવતાં હૈયે આનંદ મળી રહે,
નહીં કોઇ લાલચ નહીં કોઇ મોહ મિથ્યા અમોને લાગે રે;
સાર્થક જીવન જલાને શરણે ત્યારે સાચો હું ગુજરાતી ભઇ.
….તેવો ગરવો હું ગુજરાતી.
xxxxxxxxxx
May 6th 2007
ત્યાં સુધી.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુરજને શું પુછવું નિશા કેરો અંધકાર ક્યાં લગી?
જ્યાં સુધી આકાશમાં ચાંદનીની મૃદુતા છે ત્યાં સુધી.
સહરાની કાયાને શું પૂછવું આવી અગન ક્યાં લગી?
જ્યાં લગી સુરજ પ્રકાશ આપશે ત્યાં સુધી.
અલ્પ જીવી પુષ્પોને શું પુંછવું તારી સૌદર્યતા ક્યાં લગી?
જ્યાં સુધી બે પુષ્પોનું મિલન થાય ત્યાં સુધી.
ચમનને શું પુછવું કે તારી પુષ્પ પથારી ક્યાં લગી?
જ્યાં સુધી પુષ્પોમાં સજીવનતા છે ત્યાં સુધી.
સજળ નેત્રને શું પુછવું ભીની આંખો ક્યાં લગી?
જ્યાં સુધી હૈયે હેત વરસે ત્યાં સુધી.
કબરમાં સુતેલા દેહને શું પુછવું નિંદ્રા તારી ક્યાં લગી?
જ્યાં સુધી આ નશ્વર દેહ પામશું ત્યાં સુધી.
ર્નિવસ્ત્ર કે કંગાળને શું પુછવું જીંદગીના તમાશા ક્યાં લગી?
જ્યાં લગી જીવનમાં હર્ષ ન આવે ત્યાં સુધી.
થાકેલા જીવને શું પુછવું મૌન ધારણ ક્યાં લગી?
જ્યાં લગી પ્રદીપ મૌન સેવે ત્યાં સુધી.
—-****—-****—–****
May 6th 2007
ક્યાં સુધી?
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુરજનો આ તાપ ક્યાં સુધી ? જ્યાં સુધી આ પ્રુથ્વી છે ત્યાં સુધી.
ચાંદાની આ ચાંદની ક્યાં સુધી ? જ્યાં સુધી સુરજનોસહવાસ છે ત્યાંસુધી.
માયાની આ જંજાળ ક્યાં સુધી ? જ્યાં સુધી જન્મો મળશે ત્યાં સુધી.
પતિપત્નિનો આ પ્રેમ ક્યાં સુધી ? જ્યાં સુધી સ્નેહે જીવ્યાં ત્યાં સુધી.
બાળકોને લાડ પ્રેમ ક્યાં સુધી? જ્યાં સુધી માબાપની સાથેછે ત્યાં સુધી.
સંતોના આ માન ક્યાં સુધી ? જ્યાં સુધી પ્રભુનું શરણું છે ત્યાં સુધી.
ભણતરનો આ પ્રકાશ ક્યાં સુધી ? જ્યાં સુધી બુધ્ધિ પહોંચે ત્યાં સુધી.
પ્રદીપ બનશો ક્યાં સુધી ? જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી.
મારું મારું કરશો ક્યાં સુધી ? જ્યાં સુધી સ્વાર્થ વળગેલ છે ત્યાં સુધી.
મનનું મિલન છે ક્યાં સુધી? જ્યાં સુધી મન મળેલા છે ત્યાં સુધી. તનનો આ સંબંધ છે ક્યાં સુધી? જ્યાં સુધી કર્મ બંધાયેલા છે ત્યાં સુધી.
———–
May 1st 2007
સમજવાની સમજ
તમે જે સમજ્યા તે વાત સમજતાં મારે થોડી વાર લાગી કારણ તમારી સમજ અને મારી સમજવાની સમજમાં થોડો ફેર છે. તમે જે સમજો છો તે મારે સમજતાં સમય લાગે છે, તેના મૂળમાંમારી સમજવાની સમજ સમજીને સમજવાની છે.હું જે કાંઈ સમજવા પ્રયત્ન કરું છું તે સમજીને સમજુ છું એટલે આપણી સમજવાની સમજમાં ફેર છે.તમારી સમજવાની સમજ સરળ છે જ્યારે મારી સમજ તે વાતને સમજીને સમજવાનું લક્ષમાં રાખીને સમજવાની વ્રુતિ રાખે છે અને તેથી આપણી બન્નેની સમજમાં સહજ ફેર છે. તમે જે વાત તુરત સમજી શકો છો તે સમજ મારી સમજમાં આવતાં વાર લાગે છે કારણ કોઈપણ કામને સમજીને સમજતાં તેમાં રહેલ ધ્યેયને તમે પામી શકો છો અને તેથી તે સમજવામાં સફળતા સમાયેલી છે જે સમજ્યાં વગર સમજવામાં નથી મળતી અને તેથીજ મારી સમજવાની સમજ સરળ નથી અને આને કારણે જ તમારી સમજવાની સમજ સરળ છે જ્યારે મારી સમજવાની સમજ અલગ છે.…………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
April 5th 2007

સંવત ૧૯૭૧ ના મે માસની ૧૧ મી તારીખે નડીઆદમાં સંત પુજ્ય મોટાના આશ્રમમાં તેમની કૃપાથી સર્વ પ્રથમ કાવ્યની રચના કરી તાઃ૧૨ મી મેએ તે વાંચીને તેમના આશીવાદ મેળવી આ લેખક જગતમાં પર્દાપણ થય્રુ. સં.૧૯૭૬ માં અરુણોદય કાવ્યને ગોપાલજીત ગ્રુપ, આણંદ દ્વારા યુવક મહોત્સવમાં રજુ થતાં ખેડા જીલ્લામાં પ્રથમ તથા રાજ્યમાં દ્વીતીય સ્થાન મળ્યું. કાવ્ય લખવાનું ચાલતું રહ્યું. આણંદના સ્થાનીક પેપરો તથા મેગેઝીનોમાં સ્થાન મળતું ગયું. સં ૧૯૯૫માં અમેરીકા આવતા ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ , શ્રીમતી જ્યોતીબેન તથા શ્રી વિજયભાઈ શાહ અને શ્રી પુષ્પકભાઈ પંડ્યાના સાથથી મને ઘણું જ પ્રોત્સાહન મળ્યું. આજે જે કાંઇ છું તે સેવાભાવી અને પ્રેમાળ માણસોના સહકારથી જ છું. મારા કાવ્યો તથા ટુકા લેખો સામાન્ય રીતે ભક્તિભાવ, ધાર્મિક, સામાજીક, કૌટુમ્બિક તથા પ્રસંગ સંબંધિત હોય છે. અને તેની પ્રેરણા આપનાર આપ સૌ વાંચકો જ છો જેની હું ,પ્રદીપ બ્રહ્મભટ્ટ, હંમેશા અપેક્ષા રાખીશ તે ભાવના સાથે મારા પરિવાર સહિત સૌને નમસ્કાર તથા જય જલારામ.
તારીખઃ૧૧મી એપ્રિલ ૨૦૦૭.