July 4th 2007

સંતને વંદન કેમ?

              shri-pramukh.jpg                        

                         સંતને વંદન કેમ?                       

     ઑગસ્ટ ૨૦૦૦               હ્યુસ્ટન.           પ્રદીપ બ્રહ્મભટ્ટ     

              સંત એટલે તન સહિત જેણે સર્વસ્વ પ્રભુને સર્મપણ કર્યુ છે તે.સંત શબ્દ બોલવો અને તે થવા પ્રયત્ન કરવો તેમાં આકાશ અને ધરતી જેટલું અંતર છે . સંતને જગતમાં માન સહિત  આવકારાય છે. કારણ તેમણે મળેલા મનુષ્ય અવતારમાં પુર્વજન્મના બીજા જીવો સાથેના લેણદેણને ત્યજીને જગતમાં વળગેલ સંબંધો જેવા કે મા-બાપ,ભાઈબહેન,સગાંસંબંધી એ બધાનો ત્યાગ કરીને(આ સંબંધો જીવ કોઈપણ રીતે પુર્ણ કરવા બંધાયેલ છે જાણવા છતાં)   પોતાના મન,કર્મ,વચન અને તન પર સંયમ રાખીને જગતના કર્માધિન જીવોનો ઉધ્ધાર કરવા માટે,   જીવને મળેલ મહામુલા મનુષ્ય અવતારને સાર્થક કરવા અને કરાવવા માટે પોતે ભેખ ધારણ કરીને પરમકૃપાળુ પરમાત્માની ઓળખ કરીને જગતમાં વસતા મુમુક્ષોને તેની ઓળખણ કરાવવા સારુ જીવન  અર્પણ કરેલ હોય છે.જગતની માયાવી સૃષ્ટિથી પર રહેવા માટે ભગવું ધારણ કરે છે.ભગવું કપડું એ ત્યાગનું ચિન્હ છે.    

           ભગવું ધારણ કરવા માટે તમારા શરીરે ઘણું બલિદાન આપવું પડે છે.આ વાત જગતના ઘણા ઓછા લોકો જાણતા લાગે છે કારણ કેટલાકને મેં એમ બોલતા પણ સાંભળ્યા  છે કે હું હમણાં ભગવાં પહેરીને બેસું તો લોકો મને ફલાણા મહારાજ છે તેમ કહીને પગે લાગશે. મારી આગતા સ્વાગતા કરશે‘.પણ આ મુર્ખાને એ ખ્યાલ નથી કે તેં જે ભગવું કપડું પહેર્યું છે તે રંગીન કાપડ પહેર્યા બરાબર છે. ભગવું ધારણ કરી  શકવાની     લાયકાત કેળવવી એટલે વર્ષો વીતિ જાય છે.તેનો બોલનારને પોતાના આડંબરને કારણે ખ્યાલ નથી આવતો. સાધુ મહાત્મા એ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સર્મપિત કરીને ભગવું ધારણ કરે છે અને તે ધારણ કરીને જગતના જીવોના કલ્યાણને લક્ષમાં રાખીને પૃથ્વી પર વિચરણ કરતા ફરે છે.    સંત શિરોમણી  પુ.પ્રમુખ સ્વામી મહારાજને ઉંમરને કારણે વિચરણ કરવાનું ફાવે તેમ નથી પરંતું તમારા જીવના કલ્યાણ માટે એ સંત શારીરિક કષ્ટ વેઠીને પણ પ્રત્યક્ષ પધારે છે.જે આપણા તથા આ ધરતીના પુણ્ય જ કહી શકાય.તેમને વિમાન,સ્ટીમર કે આગગાડીની મુસાફરીના કષ્ટ વેઠવા પડે છે તે આપણા જેવા જીવોના કલ્યાણ અર્થે જીવન અર્પણ કરી ચુક્યા છે.તેઓને આ સાધનોની કોઇ જ જરુર નથી.તેઓ તો સ્મરણ માત્રથી આપણી સમીપે આવી આપણા જીવનમાં સતકર્મોમાં મદદરુપ બની જાય છે.કારણ તેમણે તો જગતના જીવોના કલ્યાણ અર્થે આ ભેખધારણ કરેલ છે.તેઓ પોતાના જીવનો ઉધ્ધાર કરીને જગતના જીવોનું કલ્યાણ કરવા વિચરણ કરે છે.