September 12th 2009

આંગળી પકડી

                        આંગળી પકડી

તાઃ૧૨/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડી જલાબાપાની,હું ચાલતો ડગલાં ચાર
ટેકો દીધો મને સાંઇબાબાએ,આ જીવની મુક્તિ કાજ
                          …….આંગળી પકડી જલાબાપાની.
ભક્તિમાં તો મન લાગેલુ,જ્યારથી આવી સમઝણ
પામવા પ્રેમ પરમાત્માનો,ના મનમાં કોઇ મુઝવણ
મળેલ માબાપના પ્રેમમાં,ભક્તિની સીધી એક દોરી
કરતોમાળા પ્રેમભાવથી,મેળવવા પરમાત્માની દ્રષ્ટિ
                             …….આંગળી પકડી જલાબાપાની.
ઉજ્વળ દીઠી સાચાસંતની ભક્તિ,સંસારે પકડી લીધી
માળાકરતાં જલાસાંઇની,ભાગી આવતીજગની વ્યાધી
માતા વિરબાઇની શ્રધ્ધા, સાથે જલારામનો પ્રભુ પ્રેમ
મળી ગયા મને રસ્તા સાચા,ને તકલીફના ભાગે વ્હેણ
                              …….આંગળી પકડી જલાબાપાની.
સવાર સાંજની ભક્તિ ન્યારી,જીવેમળે સદાબલીહારી
ઉત્તમ આનંદ સ્નેહ મળે,ને  વરસે સદા પ્રેમની વર્ષા
મુક્તિના માર્ગ  ખુલે જે મનને શાંન્તિ પણ આપીજાય
વ્હાલા સંતો પ્રેમ કરે જે જીવને ભક્તિ પ્રેમ દઇ જાય
                           ……….આંગળી પકડી જલાબાપાની.

==================================

September 12th 2009

વાત,નિવૃતી નિવાસમાં

                                   વાત,નિવૃત્તી નિવાસમાં                                   

તાઃ૧૯/૪/૨૦૦૯                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

 
           આજે સભાહૉલમાં બધા જ સમયસર આવી બેસી ગયા.પંદર દીવસે એક વખત બધા આ રીતે સાંજના ચાર એક વાગ્યાના અરસે હૉલમાં આવીને બેસે અને કંઇક વિતેલી વાતો કરી અનુભવ અને સમયની વાત કરે.પછી સાતેક વાગે જમવા માટે રસોઇ હૉલમાં જાય. ગયા વખતે મનુકાકા અને તેમના પત્નિ ઉષાકાકીની વાત સાંભળી ધણાને તો એમ થયુ કે આવુ થાય તેના કરતા તો સંતાન ન હોય તો કમસેકમ મનને શાંન્તિ તો મળે કે આપણી કોઇ જવાબદારી બાકી રહેતી નથી.આજે બધા સમય કરતાં વહેલા આવી બેસી ગયા કારણ આજે તેઓની સંભાળ રાખનાર સરગમબેન તેમના જીવનને લગતી કડી સંભળાવવાના છે. આમ તો સરગમબેન વડીલોની સેવા કરે અને ઓફીસનુ કામ પતાવી તેમને ફાળવેલ રુમમાં જઇ સુઇ જાય. પણ ગયા  વખતે મનુકાકાની વાત સાંભળી તેમનુ પણ મન ભરાઇ આવ્યું. સામાન્ય રીતે તેઓ આ હૉલમાં ન આવે કારણ દિવસ દરમ્યાનના કામથી થાકી જાય એટલે તેઓ માનસીક આરામ અને ભક્તિમાં થોડો સમય આપે.          
      ઑફીસના કામને આટોપી સરગમબેનને હૉલ તરફ આવતા જોઇ બધા જ શાંન્ત થઇ ગયા. સામાન્ય રીતે તો એકબીજાની સાથે વાતો ચાલતી હોય અને જ્યારે કોઇ પણ વૃધ્ધ જોડી પોતાની વાત કરે ત્યારે વચ્ચે વચ્ચે વાતો પણ થઇ જાય. બધાને આજે શાંન્ત રહેવામાં જ સરળતા દેખાઇ કારણ સરગમબેન એ બધાનો પ્રેમ પામી ગયા છે. બેન બારણે આવ્યા એટલે રધુકાકાએ પધારો બેટા કહ્યુ ત્યારે સરગમબેન બંધ હોઠે હસ્યા પણ ખરા.રાવજીકાકા કહે બેટા અહીં બેસો, તો મણીકાકી કહે બેટા અહીં મારી પાસે બેસને.પણ સરગમબેન કહે આજે તો  હું બધાની વચ્ચે જ બેસવાની છુ કારણ તમે બધાજ મારા છો.વચ્ચે બેસી કોઇપણ જાતનો વિચાર કર્યા વગર જ વાત શરુ કરી કારણ આજે તે જે કહેવાની છે તે  તેના જીવનમાં બનેલી હકીકત છે.
      બધા જ વડીલો શાંન્ત જોઇ સરગમબેને વાત શરુ કરી. મારો જન્મ આણંદ તાલુકાના એક નાના સમૃધ્ધ ગામમાં થયો હતો. ત્રીસથી પાંત્રીસ હજારની વસ્તીવાળુ ગામ. ગામમાં ખેડુતો,દુકાનદારો તથા બીજા નાના વ્યવસાયો હતા,હાઇસ્કુલ સુધી ભણવા સ્કુલ પણ હતી આગળ ભણવા માટે બાજુના મોટા શહેરમાં જતા ભણતર બાદ સારી નોકરી પણ શહેરમાં મળી જતી એટલે ગામમાં રહી વ્યક્તિઓ શહેરમાં નોકરી કરવા જતી. મારા બાપુજીનુ ગામમાં માન હતુ તેઓ ગામના સરપંચ હતા મારા દાદા પણ ગામના સરપંચ હતા એટલે ગામમાં અમારું કુટુંબ સામાજીક રીતે સેવાભાવીક હતુ.
             ગામમાં  હીન્દુ,મુસ્લીમ,શીખ,ઇસાઇ,હરીજન એમ બધી જ કોમના માણસો પોતપોતાના વ્યવસાય કરી પ્રેમથી જીવતા.હુ જ્યારે સ્કુલમાં જતી ત્યારે એક વખત મને યાદ છે કે મારાથી સ્કુલમાં આપેલ લેશન ઘેર સગા આવેલા તેથી મારાથી ના થયું ત્યારે મને મારા સાહેબે  લેશન ન લાવ્યાની સજામાં હાથમાં ફુટપટ્ટીથી મારેલ ત્યારે મારી બહેનપણી સાહિદા અને મૅરીની આંખમાં પાણી આવી ગયા હતા. સ્કુલથી છુટ્યા પછી તેઓ બન્ને મને બાઝીને રડી હતી.આવો અમારો પ્રેમ હતો.અત્યારે મેરી તો પરણીને અમેરીકા ચાલી ગઇ ઘણી વખત તેના ફોન આવે છે ત્યારે અમારા બંન્નેની આંખમાં પાણી આવે છે. સાહિદાને પણ ઘણી સારી નોકરી મળી છે તેના પતિ પણ સરકારી ઓફીસમાં ઘણી સારી જગ્યા પર છે.
                     સમય તો કોઇ પકડી શકતુ નથી. મારી ઉંમર ૧૮ વર્ષની હતી.મને યાદ છે તે પ્રમાણે તે દિવસ શનીવારનો હતો એટલે સ્કુલ બપોરેછુટી ગઇ.હુ ઘેર આવી. સાંજે છએક વાગ્યાના અરસામાં શેરીમા દોદાદોડ,બુમાબુમ અને ભાગમભાગનો અવાજ સંભળાયો. હું તથા મારી મમ્મીતરત બહાર બારણા તરફ દોડ્યા અને જોઈએ છીએ કે અમારા જ ગામના ગુલામકાકાના દિકરા અને તેમના ભાઇબંધો હાથમાં લાકડા લઇને બધાને મારે છે અને એક જણે મારા પપ્પાના માથે જોરથી લાકડાનો દંડો મારતા તેઓ પડી ગયા અને બુમાબુમ કરવા લાગ્યા. ગામના મુસલમાન અને હિન્દુઓ વચ્ચે કોમવાદી ઝગડો થતા મારા પપ્પાને પણ માર્યા માથામાંથી સખત લોહી નિકળતુ અમે જોઇ રહ્યા છે પણ અમે લાચાર બની ગયા અમારાથી બીકને કારણે તેમને ન બચાવી શક્યા.આ પ્રસંગ જોઇ મારી મમ્મી ભાગી પડી મારાથી કાંઇ જ ના બોલાયુ.મારા પપ્પાનુ અવસાન થયું. અમે નીરાધાર બની ગયા. મારા મામાને પેપરમાં સમાચાર વાંચતા ખબર પડી કે મારા પપ્પાનુ અવસાન થયુ છે. તેઓ તુરત બીજે દીવસે આવ્યા. મારી મમ્મી તો પોતાનું ભાન ભુલી ગઇ હોય તેમ પોતાના ભાઇને પણ ના ઓળખી શકી.મામાની આંખમાં પાણી આવી ગયું. તેમના ઘણા પ્રયત્ન પછી હુ અને મમ્મી તેમને ત્યાં ગામ છોડીને ચાલ્યા ગયા.

                       મારા ભણતરમાં મને હંમેશાં વડીલોએ જ પ્રેમ અને સહકાર આપ્યો છે. ભણતર પુરુ થાય તે પહેલા મારી મમ્મી આઘાત સહન ન કરી શકવાને કારણે પ્રભુના શરણમાં ચાલી ગઇ.મને મામાએ ઘણુ સમજાવી અને તેમની સાથે રહેવા રોકી પણ મને ખુબ જ દુઃખ થયુ કે આ જગતમાં માનવ માનવ તરીકે નહીં પણ કોમવાદની પડખે કેમ જીવે છે? શા માટે હિંસા અને દ્વેષ રાખી જગતના જીવોને દુઃખી કેમ કરે છે? મામાને કહ્યા વગર હું આ આશ્રમમાં આવીને પ્રભુકાકાને મળી.તેઓ અહીંના સંચાલક હોઇ મારા માટે લાગણી થતાં મને અહીં રહેવા એક રુમ આપી. આજે એજ રુમમાં હુ રહું છું. મને માબાપનો પ્રેમ ઓછો મળ્યો છે એટલે ભગવાને મને તમારા સૌનો પ્રેમ મળે તે તક આપી. મારા માબાપ,ભાઇભાંડુ એટલે કે મારુ સર્વસ્વ તમે જ છો.અને તમારા આશીર્વાદે મને સર્વ શાંન્તિ મળે છે.

                    અને અંતે હુ એટલુ જ કહીશ કે તમે જ મારુ જીવન છો.

                    બધાની આંખમાં પાણી આવી ગયા.ઇસ્માઇલકાકા તો સરગમબેનને બાથમાં લઇ ધ્રુશકે ને ધુશ્કે રડી પડ્યા તો સવિતાકાકી પણ મોટેથી રડી પડ્યા.પ્રસંગ એવો દેખાય કે જાણે સરગમબેનને તેમના માબાપ ભાઇબહેન સાથે સર્વસ્વ અહીંયાંજ મળી ગયુ છે.

                    ક્યારે સભા હોલમાંથી બધા પોતપોતાની રુમમાં ગયા અને ક્યારે સુઇ ગયા તેનો કોઇને ખ્યાલ નથી. બીજા દીવસની સવાર  કુકડાના અવાજથી આવી ગઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++